હવે હું મારી મહામૂલી લાગણીનાં દરવાજા સજજ્ડપણે, જડબેસલાક રીતે બંધ કરું છુ. બહુ ખુલ્લાં રાખ્યા.. લાગણીનાં પ્રવાહને નિરંતર વહેવા દીધો છે કાયમ, કોઈ જ ગણિત ગણ્યા નથી.. સંબંધોની કોઈ રકમો માંડી નથી.. વ્યવહારની કોઈ સરવાળા બાદબાકીઓ કરી નથી.. હંમેશા બધું માંડી જ વાળતી આવી છું. મારી પ્રચંડ લાગણી કાયમથી કોઈ પણ પથ્થર દિલને તોડી..ફાડીને જગ્યા કરીને પણ સરળતાથી વહેતી આવી છે અને એનું હંમેશાથી હું ગર્વ લેતી આવી છું.. ફલસ્વરુપે એ ઘણીવાર છોલાઈ છે.. અગણિત ઘાવોથી ઊઝરડાઈ છે. લોહીલુહાણ એનો લાલ રંગ પણ મને સંબંધોમાંથી મળતી મીઠાશ(!!!)ના લીધે સફેદ રંગ જેવી શીતળતા આપતી આવી છે. ટેવાઈ ગઈ છે એ વારંવાર ઉઝરડાના નહોરની તકલીફોથી એમ કહી શકાય. કોઈના બે મીઠા બોલ માટે હું મારા બે દિવસનાં સુખ ચેન આરામથી શહીદ કરતી આવી છું.. પણ કદી એનો અફસોસ નથી થયો. શું કરું… સ્વભાવ જ એવો છે ને કે લોકો મારા નામ આગળ ‘લાગણીશીલ’ અનાયાસે લગાડતા થઈ ગયેલા ( જોકે પાછળ તો ઈમોશનલ ફુલ જ કહેતા હોય..!!)
જોકે ઘણા લોકોને તો મજા જ પડી જાય આમાં.. કારણ .. બધા કંઈ સરખા નથી હોતા દુનિયામાં.. તમે સારા એટલે લોકો પણ સારા એવું તમે બેધ્યાનપણે માનતા થઈ જાઓ એ બરાબર.. પણ એ બધું તમારી દુનિયાનાં લોકોની અસલિયત જોવાની દરકાર જ ના કરવાની શાહમૃગવૃતિના જ દર્શન કરાવે છે. હકીકતે એવું નથી હોતું. તમારી લાગણીનો ફાયદો ઊઠાવવા આ દુનિયામાં અગણિત લોકો બાજ જેવી નજરે બેઠા જ હોય છે. તમને એ બાજ નજર પારખતા ના આવડી તો તો ગયા.. એ તકસાધુઓ રાહ જ જોતા હોય છે. તમારી લાગણી થોડી પણ છલકાતી હોય એટલે આવી જશે તમારી નજીક એમના દેખાડાના ‘સો કોલ્ડ’ આશ્વાસનોનો પટારો લઈને. ( આ વાત ખાસ કરીને સ્ત્રીઓને વધુ લાગુ પડે છે એવો અનુભવ છે) તમને તો દુનિયા સારી અને સરળ જ લાગશે.. એનો ફાયદો આ ‘સો કોલ્ડીયા’ દોસ્તો ઉઠાવી જશે. પોતાના મતલબ માટે એનો મન ફાવે એવો ઉપયોગ કરીને અને તમને ખબર પણ ના પડે એમ તમારી લાગણીના લીરે લીરા ઊડાવીને એના ઢગ પર બેસીને મોટે-મોટેથી અટ્ટ-હાસ્ય કરશે. તમને તો તમારી લાગણી મફતના ભાવમાં લિલામ થઈ ગઈ એની જાણ પણ નહી થાય.. ભોળા અને વિશ્વાસુના પુતળા ખરાને..!! જ્યારે જાણ થશે ત્યારે તો તમારી દુનિયા વેરણ છેરણ થઈ ગઈ હોય છે. તમારા કાબૂની બહાર અને તમારા હાથમાં આવે છે ભારે ખમ ખાલીપો… અને સતત તમને એના આંસુથી ભીના રાખતા ના સહન કરી શકાતા કે ના દેખાતા ઘાવોનો ઢગલો..!!
લાગણી.. સંબંધો… આ બધું શું છે… કાયમ એમાં દલીલો… એકબીજાની ખોડ-ખાંપણો.. અપેક્ષાઓનાં પહાડો… આ બધું એની ગરિમા કેમ બગાડતી આવી છે? હંમેશા કોઈ પણ એક પક્ષે સહન કરવાનું અને બીજાએ દાદાગીરીથી અને રમતો રમી રમીને ઘાવ આપતા રહેવાનું જ કેમ હોય છે?? ખોટાં ખોટાં દેખાડાના નાટકીયા સંબંધો મને સહેજ પણ મંજૂર નથી. સાચા સંબંધો બહું જ ઓછા મળે છે હવે.. જેમાં બેય પક્ષ એક-બીજાને માન-સન્માનપૂર્વક પ્રેમ કરે છે.. બસ હવે હું મારા દરવાજા એવા સંબંધો માટે જ ખોલીશ. ત્યાં સુધી ભલે એ બંધ રહ્યાં.
સંબંધોના આડા અવળા, અટપટા.. અભિમન્યુના કોઠા જેવા ભુલ ભુલામણીના રસ્તાઓમાંથી મારો સાચો રસ્તો શોધવા જેટલી સમજ શક્તિ કેળવીશ.. પણ મારી મહામૂલી લાગણીને ગેરમાર્ગે તો નહી જ વહેવા દઉ. એક સરસ મજાનું વરદાન આપ્યું છે ‘લાગણીશીલ હૈયાનું’… એની કદર કરીશ.. એની ગરિમા જળવાય.. યોગ્ય પાત્ર પર જ ઢળે એ માટે સતત સજાગ રહીશ… આમ જ મને વિશ્વાસ છે કે હું યોગ્ય જગ્યાએ, યોગ્ય રીતે વહીને મારી લાગણીને યોગ્ય ન્યાય આપી શકીશ.. પણ એનો ગમે તેમ કોઈ પણ વ્યક્તિ દૂર-ઉપયોગ કરી જાય… એ તો નહી જ થવા દઉ.. કદાપિ નહી.. કોઈને પ્રેમ કરવો બહુ જ સારી અને કદાચ આ દુનિયાની કદાચ સૌથી પવિત્ર વાત છે.. મારા માટે તો ભગવાનના રોજ રોજનાં દર્શન કરતા પણ વધુ પાવક.!! પણ એ પ્રેમ આપણી નબળાઈ બની જાય… સામેવાળા આપણાં સંવેદનો, લાગણીને લઈને આપણો ઉપયોગ કરે. આપણને એના પ્રેમના સોગંધ દઈને એના તાબામાં કરવાની વાતો કરે… એ હદ સુધી તો આપણા પ્રેમને.. લાગણીને ના જ જવા દેવાય. ભલેને દુનિયા કહે કે, “તું સ્વાર્થી થઈ ગઈ છું”.. પોતાની જાત માટે.. લાગણીની સાચવણી માટેની આટલી કિંમત ચૂકવવાની મને તો મંજૂર છે દોસ્તો.. તમે શું કહો..????
- સ્નેહા-અક્ષિતારક
ને કથા આરંભ થઇ
15 years ago